ધોડીયા ભાષા સમિતિ દ્વારા માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી.

માઁના ખોળેથી પ્રાપ્ત થયેલી ભાષા તે માતૃભાષા. એટલે જ કહેવાય છે કે માઁ, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઈ પર્યાય નથી હોતો. દુનિયાની દરેક ભાષાએ કોઈકને કોઈકની માતૃભાષા હોય છે. એ દરેક ભાષાને યોગ્ય સન્માન મળે અને બધી જ ભાષાઓ જળવાઈ રહે તે હેતુસર વિશ્વ માતૃભાષા દિવસ વર્ષ 1999થી ઉજવાઈ રહ્યો છે. 21 ફેબ્રુઆરીએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું યુનેસ્કો દ્વારા નક્કી કરાયેલ તે અનુસંધાને ભારત સહિત સમગ્ર દુનિયામાં ઉજવણી કરાઈ એ ઘડીએ ધોડીયા ભાષા સમિતિ, અનાવલ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની વર્ચ્યુઅલ ઉજવણી ધોડીઆ ભાષામાં કાર્યક્રમ યોજીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધોડીઆ ભાષકોમાંથી શિક્ષકો, ડોક્ટરો, ઈજનેરો, સાહિત્ય ક્ષેત્રે કાર્યરત કલમ કસબીઓ સહિતના ભાષા રસિક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. 

નેશનલ બુક ટ્રસ્ટ, નવી દિલ્હીના ગુજરાતી વિભાગના વડા ભાગ્યેન્દ્ર પટેલની વિશેષ હાજરી સાથે કાર્યક્રમ પ્રારંભે ખંભાત ખાતે શિક્ષક તરીકે સેવા આપતા સી.સી.પટેલે ધોડીઆ ભાષા જતન અને સંવર્ધન વિશેના વિચારો રજૂ કરતાં માતૃભાષા જીવંત રાખવા માટે શિક્ષણના માણસો શું કરી શકે એ અંગે પ્રકાશ પાડયો હતો. 

સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉ.પ્રદીપભાઈ ગરાસિયાએ અન્ય ભાષાઓના વધતા પ્રભાવ વચ્ચે પોતિકી ભાષાના મહત્વ તરફે સૌનું ધ્યાન દોરતાં ધોડીઆ ભાષાનો અભ્યાસક્રમ તૈયાર કરવા આહ્વાન કર્યું હતું. 

કણભઈના શિક્ષક એવા સુરેન્દ્ર ગરાસિયાએ પોતાની જન્મભાષાના સંવર્ધન માટે આજના સમયે સોશિયલ મીડિયાનો કઈ રીતે સદ્ઉપયોગ કરવો જોઈએ તે ઉદાહરણ સહિત જણાવ્યું હતું. આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે ધોડીયા ભાષામાં યોજાયો તે એક વિશેષતા રહી હતી. કાર્યક્રમના અંતે સુરતના યુવા શશિકાંત પટેલે આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું આયોજન-સંચાલન ધોડીયા ભાષા સમિતિના કુલીન પટેલે કર્યું હતું.