Uchchhal-Nizar- Kukarmunda: ઉચ્છલ,નિઝર, કુકરમુંડા તાલુકામાં અનામત વૃક્ષ મહુડો અમૃત તથા કલ્પવૃક્ષ સમાન
Post credit: Sandesh news paper
તાપી જિલ્લાના છેવાડાના ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકા તથા સોનગઢ, વ્યારા તાલુકાના જંગલ વિસ્તાર તથા અંતરિયાળ ગામોમાં મહુડાના વૃક્ષ ઔષધિય ગુણવત્તાથી ભરપુર હોવાનું માનવામાં આવે છે,
જેના પાન, ફુલ, ફળો, લાકડાનો ઉપયોગ થતો હોવાથી ખેડુત પરિવારો પણ આ વૃક્ષને ખેતરોના શેઢા ઉપર રાખવાનું ઉચિત માની જેમાંથી આવક મેળવે છે, પરંતુ હાલમાં વાવાઝોડાના માહોલ વચ્ચે કેટલાંક વૃક્ષો ઉપરથી કાચી ડોળી(ફળ) પડવા લાગતા સિઝનમાં ડોળીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના વધી છે.
આદિવાસી પરિવારો જળ, જંગલ અને જમીન સાથે જોડાયેલા રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારના લોકો જંગલોમાં ઉગતા વન્ય ફળો, ફુલો, પાન, છાલએ તમામનો એક ઔષધિ તરીકે વર્ષોથી ઉપયોગ કરતા આવ્યા છે, ઔષધિય વૃક્ષોમાં મહુડાનો પણ સમાવેશ થાય છે.
તાપી જિલ્લાના ઉચ્છલ, નિઝર, કુકરમુંડા, સોનગઢ, વ્યારા, ડોલવણ તાલુકાના જંગલ તથા આંતરિયાળ ગામોમાં મહુડાને આવક રળી આપતું વૃક્ષ માનવામાં આવે છે. જંગલો તથા ખેતરોના શેઢા ઉપર જોવા મળતા મહુડાનું વૃક્ષ લાંબું આયુષ્ય ધરાવે છે, કદાવર તથા ઘટાદાર તેમજ મજબુત વૃક્ષને ખેતરોના શેઢા ઉપર રાખવાનું ખેડુત પરિવારો પસંદ કરે છે.
છાંયડો અને શીતળતા આપતા આ વૃક્ષની નીચે ખેતરોમાં કામ કરતા મજુરો, ખેડુત પરિવારો વિસામો લેતા હોય છે. ઝાડના પાંદડા ગ્રામ્ય વિસ્તારોમાં બનાવાતી વાનગી પાન્યા રોટલા બનાવવા માટે કરે છે, ફુલોનું મહત્વ વધુ છે,
ફેબ્રુઆરી માસ આવતા જ મહુડાના ફુલો ઝાડ ઉપરથી પડવાની શરૂઆત થતા ગૃહિણીઓ વહેલી સવારથી જ ફુલો વિણવા પહોંચી જાય છે, લગભગ એક ઝાડ નીચેથી ફુલો એકત્રિત કરતા એક બપોર જેટલો સમય પણ વીતી જાય છે.
ફુલો એકત્રિત કરી જેને સુકવીને બજારોમાં વેચી આવક મેળવે છે. મહુડાના ફુલ આર્યુવેદિક દવાઓમાં ઉપયોગમાં આવે છે, તેમજ ફુલો ઉકાળીને ગ્રામ્ય વિસ્તારોમાં કેમિકલ વગરનો ઔષધિય દારૂ પણ કેટલાંક લોકો બનાવે છે.
આ ફુલોનો રસ(ફુલ દારૂ)નાના બાળકોમાં થતા ઓરિ, અછબડા જેવા ગરમીના રોગો સામે રક્ષણ આપતો હોવાની માન્યતા છે. શરીરે ફુલ્લા જેવા ચિહ્ દેખાય તો શરીર ઉપર દારૂ લગાડવામાં આવતા જે મટી જતા હોવાનું વયોવૃધ્ધો જણાવે છે.
મહુડાના ફુલ આવક રળી આપે છે, જેના ફળોને ગ્રામ્ય ભાષામાં ડોળી કહેવામાં આવે છે, ફળો ઝુમખાં સાથે લાગે છે, જુન માસમાં ફળો પાકી જાય છે. ફળોમાંથી જેના બીજ કાઢવામાં આવે છે તેમજ જેને સુકવીને બીજમાંથી તેલ કાઢવામાં આવે છે. આ તેલનો આદિવાસી પરિવારો ખાવામાં ઉપયોગમાં લેતા હોય જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
મહુડાનો ઝાડની પણ ખુબ અગત્યતા છે, જેમાંથી ફર્નિચર તેમજ આદિવાસીઓનું પ્રખ્યાત વાદ્ય ચાંગી ઢોલ બનાવવામાં આવે છે, જે લગ્નો સિઝન કે કોઈપણ સામાજિક પ્રસંગોમાં ચાંગી ઢોલ વગાડી આદિવાસીઓ આદિવાસી નૃત્ય કરે છે. મહુડાના ઝાડના પાન, ફળ, ફુલો તથા લાકડાનો ઉપયોગ થાય છે, અનામત વૃક્ષ તરીકે ઓળખ ધરાવતા વૃક્ષને આદિવાસીઓ ઔષધિય વૃક્ષ તરીકે ઓળખે છે.
0 Comments